Wednesday, June 4, 2014

પિતાજીને જન્મદિને પત્ર.

સૌ પ્રથમ પપ્પાને જન્મ દિનના અભિનંદન અને એમનાં આશીર્વાદ અમારાં પર જીવનભર રહે એવી પ્રભુને યાચના. આજે મારા પપ્પાના ૭૦માં જન્મદિનની ઊજવણી માટે સૌ ભેગાં થયાં એનાં માટે સૌનો ખૂબ ખૂબ આભાર. હું, હિરલ, જાગુ, પીટર અને સૌનો વ્હાલો ઝેક આ કાર્યક્રમમાં હાજર ના રહી શક્યા એનું ઘણું દુઃખ છે પરંતુ આપ સર્વે પધારી અમારી કમી પૂર્ણ કરવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે.


બધાં સામાન્ય રીતે કહેતા હોય છે કે અમેરિકામાં બધાને સમય ઓછો મળે છે પણ મારી પાસે અહીં અમેરિકામાં બહુ સમય છે, જેથી અમેરિકા આવ્યાં બાદ અમે ૧ વર્ષ પહેલાં પપ્પાનાં ગીતોનો એક બ્લોગ (વેબ સાઈટ) શરૂ કરવાનું નક્કી કર્યું. હિરલ ગીતો લખે અને હું એને બ્લોગ પર મૂકતો રહું. આ રીતે અમે અત્યાર સુધી ૩૦૦થી પણ વધારે પપ્પાના ગીતો લોકો સમક્ષ રજુ કર્યાં અને ૧૧,૦૦૦ કરતાં લોકોએ એને વાંચ્યા. અમારા તરફથી એમને આ બ્લોગ ગયા વર્ષે અમે ભેટમાં આપ્યો. આ વર્ષે હું વિચારતો હતો કે એમને ભેટમાં શું આપું? આ દરમિયાન એક જાણીતા ગુજરાતી બ્લોગ “ગુજરાતી પ્રતિભા પરિચય” દ્વારા એમનો પરિચય લોકો સમક્ષ રજૂ થયો અને અન્ય જાણીતા બ્લોગર શ્રી. પી. કે. દાવડા સાહેબે પણ અમેની “મળવા જેવાં માણસો” નામની લેખમાળામાં પપ્પા વિષે લેખ લખ્યો. હું ગુજરાતી પ્રતિભા પરિચયનામનાં આ બ્લોગનો નવો નવો સહ-સંપાદક બન્યો છું અને પપ્પાનો પરિચય મેં લખ્યો હતો, જે એમને આ વર્ષે ભેટ સ્વરૂપે આપું છું.


પપ્પાના ગીતો જેમ જેમ અમે છાપતા રહ્યાં તેમ તેમ એમને વધુને વધુ જાણતા અને માણતા થયાં. “ઘરકી મુર્ગી દાલ બરાબર” કહેવાય છે, એમ મને પહેલાં જ્યારે પપ્પાનાં વખાણ લોકો કરે ત્યારે એવું લાગતું કે આટલાં બધાં લોકો એમનાં વખાણ કેમ કર્યા કરે છે? મને તો એવું કશું લાગતું નથી! આવું લાગવાનું કારણ એવું હોઈ શકે કે એમણે જે વિચારો અને સંસ્કારો લોકો સમક્ષ પ્રગટ કર્યા, તે અમારામાં બાળપણથી જ એમનાં થકી જાણે અજાણે ઊતર્યા, એથી અમને કશું નવું ના લાગતું હોય. કારણ ગમે તે હોય પણ એમનું સમાજ અને પરિવાર માટેનું યોગદાન અમૂલ્ય છે અને એનાં ફળ અમે આરામથી વગર કોઈ કર્મ કરે ખાઈએ છીએ.


બરકત વિરાણી ‘બેફામ’ સાહેબે લખેલી એક ગઝલની પંક્તિ અહીં ટાંકવાનું મન થાય છે,
“નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે
તમે છો એનાં કરતા પણ વધારે તમને જોયાં છે”


અમે પપ્પાથી દૂર રહીને જેટલાં જાણ્યાં છે, તેટલાં એમની સાથે રહીને ન હતાં જાણી શક્યાં. એમની સાથે રહીને અમે કેવળ ‘પિતા’ તરીકે જ માણ્યા જ્યારે દૂર રહીને એમને “દિનેશ પાઠક” તરીકે જાણ્યા. પપ્પાના અમુક ગુણો અમારા બધાંમાં ઊતર્યા છે એવું ચોક્કસ રીતે કહી શકાય. પપ્પાનાં વાંચન, લેખન, ચિત્ર કળા, સંગીત, વિવિધ સ્થળોની મુલાકાત લેવી, વિગેરે વિગેરે ગુણોમાંથી; જાગુ સારી ચિત્રકાર બની શકી અને મને બાળપણથી વાંચન અને સંગીતનો શોખ જાગ્યો. હિરલને પણ હમણાંનો વાંચનનો શોખ જાગ્યો છે. આજકાલ હું લેખન પર મારું મગજ કસી રહ્યો છું પણ એમાં પણ વિચારો તો પપ્પાના જ પ્રગટ થઈ રહ્યાં છે.


પપ્પાના સમાજલક્ષી કાર્યોથી મને એક શીખ જરૂર મળી છે અને એ એજ કે, “એકલાં જીવવું એનાં કરતાં આખા સમાજ માટે જીવવું એ એક આદર્શ જીવન છે.” ‘वसुधैव कुटुम्बकम्’ ને એમણે સાર્થક કરી બતાવ્યું છે.
પપ્પાએ લખેલું એક ગીત, સૌંદર્યથી સજેલાં નયણાં મને ગમે છે ની ઊઠાંતરી કરીને એમનાં માટે એક પંક્તિ લખી છે તે રજુ કરું છું,
“ધર્મ સંગત આચાર મને ગમે છે,
તર્ક પૂર્ણ વિચાર મને ગમે છે,
તમ થકી મળેલો સંસાર મને ગમે છે,
અસંખ્ય ઊપકારથી શીશ મારું નમે છે.”


આપનો,
નિર્મલ પાઠક “સત્વ”.